NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 15 January 2017

અધરેથી છુટી મોહનમુકુટે જા'વું, સખી મારે તો મોરપીચ્છ થા'વું

અધરેથી છુટી મોહનમુકુટે જા'વું,
સખી મારે તો મોરપીચ્છ થા'વું.

ઘેરી વળે રોજ કા'નાને ગોપીઓ નખરાળી
રેઢો ન મૂકે ઓલી લુચ્ચી રાધા લટકાળી
ને પાછી કે' છે વેણું કારણીયે હું આવું
સખી મારે તો મોરપીચ્છ થા'વું.

સાંભળીને મુજને ઘેલું એવું તો ગોકુળીયું થા'તું
મનેખ તો શું ? મુંગું પશુય અળગું ન જા'તું
શી રીતે માધવને ભાનમાં હવે લાવું ?
સખી મારે તો મોરપીચ્છ થા'વું.

ફૂંકે ન મુજને તો વનરાવન થાશે ન ઘેલું
મારા વ્હાલાનાં રંગમાં ઘેલી થૈ એકલી હું રેલું
હું તો હવે શ્યામનાં શિરે સોહાવું
સખી મારે તો મોરપીચ્છ થા'વું.

- નરેન્દ્ર ચૌહાણ 'નરેન'

રોજ મારાથી મને વાંધો પડે, એટલે મારે મને જોવો પડે.

રોજ મારાથી મને વાંધો પડે,
એટલે મારે મને જોવો પડે.

આ ઝરણ એમ જ નદી બનતા નથી,
દોસ્ત પાણીનેય પરસેવો પડે.

કૈંક તો સારું બધામાં હોય છે,
લીમડાનો છાંયો ના કડવો પડે.

તું દિવસ જીતી ગયાંનો વ્હેમ છોડ,
સાંજે પડછાયો ઘણો મોટો પડે.

સૂર્ય સાથે ચંદ્રને જોશો નહીં,
એક સાથે બેઉનો મોભો પડે.

તું અડે ને એમ લાગે છે મને,
જાણે સૂકા ઘાસ પર તણખો પડે.

તું હવે સરનામું પાકું આપ બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે.

~ગૌરાંગ ઠાકર

સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે, ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર પડે.

સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે,
ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર પડે.

ખીલું ખીલું થતું મનમાં અને ખીલી ન શકે,
કળીની પાંપણે ઝાકળનો એવો ભાર પડે.

સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.

સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી,
બધું જે હોઇ શકે તેની આરપાર પડે.

ઘણીયે વાર થઇ જાઉં છું હું શૂન્યમનસ્ક,
ઘણીયે વાર અચાનક કોઇ વિચાર પડે.

કહી રહ્યું છે કોઇ કાનમાં પ્રવાસીને,
મુસીબતો તો પડે ને હજાર વાર પડે.

સિતારા થાક્યા છે જાગીને રાતભર આદિલ,
બધાય ઇચ્છે છે કોઇ રીતે સવાર પડે.