અધરેથી છુટી મોહનમુકુટે જા'વું,
સખી મારે તો મોરપીચ્છ થા'વું.
ઘેરી વળે રોજ કા'નાને ગોપીઓ નખરાળી
રેઢો ન મૂકે ઓલી લુચ્ચી રાધા લટકાળી
ને પાછી કે' છે વેણું કારણીયે હું આવું
સખી મારે તો મોરપીચ્છ થા'વું.
સાંભળીને મુજને ઘેલું એવું તો ગોકુળીયું થા'તું
મનેખ તો શું ? મુંગું પશુય અળગું ન જા'તું
શી રીતે માધવને ભાનમાં હવે લાવું ?
સખી મારે તો મોરપીચ્છ થા'વું.
ફૂંકે ન મુજને તો વનરાવન થાશે ન ઘેલું
મારા વ્હાલાનાં રંગમાં ઘેલી થૈ એકલી હું રેલું
હું તો હવે શ્યામનાં શિરે સોહાવું
સખી મારે તો મોરપીચ્છ થા'વું.
- નરેન્દ્ર ચૌહાણ 'નરેન'
No comments:
Post a Comment