હતા જે પ્રણયની મજાના પ્રસંગો,
હવે થઇ ગયા છે પીડાના પ્રસંગો…
ખરા એ જ તો છે કથાના પ્રસંગો,બધાથી જે રાખ્યા છે છાના પ્રસંગો…
અમે તો ફક્ત મસ્ત થઇ ભાગ લીધો,હતા એ બધા તો સુરાના પ્રસંગો…
રડીને અમે સાથ દીધો છે એને,અમે સાચવ્યા છે ઘટાના પ્રસંગો…
બહુ મોટી તક હોય છે ગુપ્ત એમાં,ગણો છો તમે જેને નાના પ્રસંગો…
નથી હોતો રસ જેને નિજના જીવનમાં,જુએ છે સદા એ બીજાના પ્રસંગો…
બધાનાં ખુશી-ગમ હશે એક સરખાં,ભલેને અલગ હોય બધાના પ્રસંગો…
બન્યા એ જ તારી પ્રતિક્ષાના દિવસો,હતા જે તને ભૂલવાના પ્રસંગો…
સદા એ રીતે હાથ ખાલી રહ્યો છે,સદા હોય જાણે દુઆના પ્રસંગો…
જમાનાએ એની જ ઇર્ષ્યા કરી છે,મળ્યા એક બે જીવવાના પ્રસંગો…
મરીને મેં એક સામટા ઊજવ્યા બેફામ,જીવનમાં હતા જે કઝાના પ્રસંગો…
– બરકત વિરાણી ‘બેફામ’
No comments:
Post a Comment