ના તને ખબર પડી, ના મને ખબર પડી,કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાંબેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયેમેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.
-તુષાર શુક્લ
No comments:
Post a Comment