હ્રદયમંથન કરી મેં વાત કાઢી છે મનન માટે,મળી છે દ્રષ્ટિ જોવા કાજ ને આંખો રુદન માટે…
ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?અનોખા તારલા એ છે તું રહેવા દે ગગન માટે…
યુગેયુગથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,હવે કોઈ નવી દ્રષ્ટિ મને આપો નયન માટે…
સુધારા કે કુધારા ધોઈ નાખ્યા અશ્રુધારાએ,ઊભો થા જીવ આગળ સાફ રસ્તો છે જીવન માટે…
અનાદિ કાળથી એના વિરહમાં એ દશા છે કે,રુદનમાં બંધ આંખો થઈ અને ઊઘડી રુદન માટે…
હ્રદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી,બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે…
તમે જે ચાહો તે લઈ જાવ મારી ના નથી કાંઈ,તમારી યાદ રહવા દ્યો ફક્ત મારા જીવન માટે…
દયા મેં દેવની માગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી,ધરાવાળા ધરા માટે ગગનવાળા ગગન માટે…
મને પૂછો મને પૂછો ફૂલો કાં થઈ ગયા કાંટા?બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન માટે…
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે…
- ‘શયદા’
No comments:
Post a Comment