...
તું ખોલે કે ન ખોલે દ્વાર, ઊભો છું અદબ વાળી,
ભલે પાગલ મને તું ધાર, ઊભો છું અદબ વાળી.
નથી સાચે હવે મારો રહ્યો અધિકાર ચરણો પર,
ખરેખર છું બહુ લાચાર, ઊભો છું અદબ વાળી.
હું જેને જોડવા મથતો રહ્યો, મટતો રહ્યો વર્ષો,
સંબંધોના એ તોડી તાર, ઊભો છું અદબ વાળી.
તને જો હોય કે આ જીવતરનો ભાર ઓછો છે,
વધારે મૂક માથે ભાર, ઊભો છું અદબ વાળી.
હજી મેદાનને મારા પરત્વે માન મબલખ છે,
પચાવી હાર જેવી હાર ,ઊભો છું અદબ વાળી.
હવે તો હાથ મુશ્કેટાટ મેં પોતે જ બાંધ્યા છે,
દઈ મૂંગો ખુશીથી માર, ઊભો છું અદબ વાળી.
પછી મોકો નહીં આવો મળે જીવન મહીં ‘ઘાયલ’
કરી કે આજ તું પણ વાર,ઊભો છું અદબ વાળી.
- ‘ઘાયલ’
No comments:
Post a Comment