આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે…
બહારના જીવનના છે, એ મારા જીવનના નથી,
તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે…
મારી કિસ્મત છે જુદી,તારું મુકદર છે અલગ,
કોઈ વખત એક જગા પર કેમ આવી જાય છે…
છું બહુ જુનો શરાબી જામથી ખેલું છુ હું,
હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે…
ઓ શિખામણ આપનારા, તારો આભારી છું હું,
મારા આ રડમસ જીવનમાં તું હસાવી જાય છે…
મારી નિષ્ફળતા ભલી, એમાં કોઈ ખામી નથી,
ઓ સફળતા, કોણ અહીં સંપૂર્ણ ફાવી જાય છે…
લાવો મારી પાસે હું અમૃતથી મારું એમને,
ઝેર જેવી ચીજ પણ જેઓ પચાવી જાય છે…
મારું આ બેહોશ જીવન પૂર્ણ તો થાએ ‘મરીઝ’,
હું નથી હોતો તો એ વિતાવી જાય છે…
No comments:
Post a Comment