પ્યાર છે કેવળ હવે, દર્દો નથી, દિલ પણ નથી,
છે ફક્ત નૌકા નથી દરિયો કે સાહિલ પણ નથી.
જાન હું દેતો – અદા એની એ ગઇ કાલે હતી,
આજ તો હું મોત માગું એવા કાતિલ પણ નથી.
આ પ્રણયનો અંત છે કે તારી સોબતની અસર,
દર્દ પણ તારું નથી, તારા ઉપર દિલ પણ નથી.
મારી બેઠક ક્યાં હતી એ પણ બતાવી દેત હું,
શું કરું ઓ દોસ્ત, કે આજે એ મહેફિલ પણ નથી.
એ દિવસ મારા હ્રદયની પણ ગરીબીનો હતો,
જે દિવસ લાગ્યું હતું- હું એનો કાબિલ પણ નથી.
થઇ જવા દીધાં છે મેં જો તમને મારાથી અલગ,
તો સમજજો નહિ તમે મારમાં શામિલ પણ નથી.
હું વિતાવું તો બને છે જીન્દગી બોજા સમી,
ખુદ વીતે છે એમ જાણે કાંઇ મુશ્કિલ પણ નથી.
હા હવે બેફામ સાચેસાચ હું ગુમરાહ છું,
શોધું છું એને હવે જે મારી મંઝિલ પણ નથી.
- બરકત વિરાણી ‘બેફામ’
No comments:
Post a Comment