થાય છે જેવું મને આઘેથી તમને જોઇને,
સિન્ધુને પણ થાય છે એવું પૂનમને જોઇને.
બસ અમે પણ એ પછી મુખ એમનું જોયું નહીં,
જેમણે મુખ ફેરવી લીધું છે અમને જોઇને.
પ્રેમની જડતા હવે બંને તરફ સરખી જ છે,
હુંય પથ્થર થઇ ગયો છું એક સનમને જોઇને.
ખોટ તારી પૂરવા લૂંટી મેં દુનિયાની મજા,
સૌ ખુશી માણી લીધી મેં તારા ગમને જોઇને.
એ હવે સપનામાં આવીને સતાવે છે મને,
આંખ મેં મીચી દીધી જેના સિતમને જોઇને.
કોઇ તમને કલ્પનાનું પાત્ર સમજે શક્ય છે,
મેં લખી છે આ કથા મારાં કરમને જોઇને.
બંધ મુઠ્ઠી પણ ઉઘાડા હાથના જેવી જ છે,
કોઇ હરખાશો નહીં મારા ભરમને જોઇને.
દે સુરાનો જામ, છું તરસ્યો બધાયે કાળનો,
સાકી, હું આવ્યો છું અહીયાં જામને જોઇને.
કોઇ ટેકો દે, કોઇ ધક્કોય મારે શું ખબર?
છે બધુંયે શક્ય ડગમગતાં કદમને જોઇને.
મારે તો બેફામ છે એ આંધળાની લાકડી,
જીન્દગીનો પંથ કાપું છું કલમને જોઇને.
- બરકત વિરાણી ‘બેફામ’
Saturday, 12 March 2016
થાય છે જેવું મને આઘેથી તમને જોઇને,
લેબલ્સ:
gujarati sahitya
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment