જ્યારથી એક બેવફા પ્રત્યે મહોબ્બત થઇ ગઇ,
મારે મારી જાતની સાથે અદાવત થઇ ગઇ.
જે હતી દુઃખની, વધારે દુઃખની હાલત થઇ ગઇ,
મેં તજી એની મહોબ્બત તો એ નફરત થઇ ગઇ.
જ્યાં સુધી દિલમાં હતાં આંસુ ખરાં મોતી હતાં,
આંખમાં આવ્યાં ને પાણી જેવી કિંમત થઇ ગઇ.
હું ગુજારું છું ગરીબીના દિવસ પણ ચેનથી,
આરઝૂ દોલત અને ઉમ્મીદ મિલકત થઇ ગઇ.
એની તનહાઇ જ પોતે હોય છે મહેફિલ સમી,
એક વખત જેને જગતમાં તારી સોબત થઇ ગઇ.
મેળવી તેં આંખ તો બદલાઇ ગઇ મારી નજર,
જોયું તો આ આખી દુનિયા ખૂબસૂરત થઇ ગઇ.
એને મળવાની તમન્ના તો હવે ક્યાંથી રહે,
એને જોયાનેય આજે એક મુદ્દત થઇ ગઇ.
આજથી એના ઉપર દિલ, તારો કંઇએ હક નથી,
એને માટે આજ તારાથી શિકાયત થઇ ગઇ.
ઊંઘમાંથી જાગતાં એને તજી નીકળી જવું,
જેને ઘર માન્યું એ સપનાની ઇમારત થઇ ગઇ.
ઓ જગત, મારી મહત્તાનો જરા તે ખ્યાલ કર,
જે જગા મૂકી દીધી મેં એય જન્નત થઇ ગઇ.
મેં મરીને પણ વસાવ્યું છે જગત બેફામ આ,
કંઇયે ન્હોતું જે સ્થળે ત્યાં એક તુરબત થઇ ગઇ.
- બરકત વિરાણી ‘બેફામ’
No comments:
Post a Comment